આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા સંગઠન દ્વારા તમામ જિલ્લાઓમાં આજે સતત વધી રહેલી મોંઘવારી પર નિયંત્રણ લાવી સામાન્ય જનતાને તાત્કાલિક રાહત આપવા બાબતે મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે, પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસ, દૂધ, શાકભાજી, ખાદ્યતેલ, અનાજથી લઈને દવાઓ સુધીની તમામ જીવનજરૂરી ચીજવસ્તુઓના સતત વધતા ભાવોએ સામાન્ય પરિવારનું ઘરનું બજેટ સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે. આજે સામાન્ય માણસની આવક કરતાં ખર્ચમાં ઝડપથી વધારો થઈ રહ્યો હોવાથી મધ્યમવર્ગીય પરિવાર બચત કરી શકતો નથી અને ગરીબ પરિવાર માટે બે ટંકનું ભોજન મેળવવું પણ મુશ્કેલ બન્યું છે. ઘરની ગૃહિણીઓ પોતાના ખર્ચમાં કાપ મૂકી રહી છે તથા બાળકોના શિક્ષણ, આરોગ્ય અને રોજિંદા જીવનની જરૂરિયાતોમાં સમાધાન કરવું પડી રહ્યું છે. એક તરફ સરકાર વિકાસના મોટા દાવાઓ કરે છે, પરંતુ ચૂંટણી સમયના વચનોને બદલે આજે જનતાને મોંઘવારીમાંથી રાહત જોઈએ છે કારણ કે મોંઘવારી હવે માત્ર આર્થિક સમસ્યા નહીં પરંતુ લાખો પરિવારોના જીવન અને ભવિષ્ય સાથે જોડાયેલો ગંભીર પ્રશ્ન બની ગઈ છે.
સામાન્ય પરિવારના ઘરનું બજેટ સંપૂર્ણપણે ખોરવાયું

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા સંગઠન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ પાંચ મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે, જેમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી તાત્કાલિક રાહત આપવી, મહિલાઓ પરનો આર્થિક બોજ હળવો કરવા ઘરેલુ રાંધણગેસના સિલિન્ડરના ભાવ ઘટાડવા, દૂધ, ખાદ્યતેલ, અનાજ, કઠોળ અને શાકભાજી જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર અસરકારક નિયંત્રણ લાવવું, બજારમાં થતી સંગ્રહખોરી, કાળાબજારી અને કૃત્રિમ ભાવવધારા સામે કડક કાર્યવાહી કરવી તેમજ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ નિયંત્રણ માટે સરકાર દ્વારા નક્કર અને સમયબદ્ધ આયોજન જાહેર કરવાની માંગનો સમાવેશ થાય છે. વધુમાં જણાવાયું છે કે આ રજૂઆત માત્ર ઔપચારિક આવેદનપત્ર નથી પરંતુ મોંઘવારીથી ત્રસ્ત લાખો પરિવારોની વેદના અને આક્રોશનો અવાજ છે, કારણ કે જનતા પાસે આવક મર્યાદિત છે પરંતુ મોંઘવારીની કોઈ મર્યાદા નથી. જો સરકાર સામાન્ય જનતાની મુશ્કેલીઓ પ્રત્યે ગંભીર નહીં બને અને આ માંગણીઓ પર તાત્કાલિક હકારાત્મક નિર્ણય નહીં લે, તો મહિલા સંગઠન જનતાના હક માટે લોકશાહી ઢબે વધુ ઉગ્ર જનઆંદોલન કરવા મજબૂર થશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.