ઉત્તર ગુજરાતના અપ્રેન્ટિસ કરેલા બેરોજગાર યુવાનો ગાંધીનગર ખાતે એકઠા થતા આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવિણ રામ તેમજ વિદ્યાર્થી પાંખ ASAP ના મધ્યઝોન પ્રમુખ યાત્રિક પટેલ યુવાનોને સમર્થન આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન AAP નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે ગુજરાતમાં યુવાનોની રોજગારીના ખૂબ મોટા પ્રશ્નો છે. આજે ગાંધીનગર ખાતે એપ્રેન્ટિસ કરેલા ઉત્તર ગુજરાતના યુવાનો એકઠા થયા છે આ યુવાનોનું કહેવું છે કે સરકાર પરીક્ષા લે છે પરંતુ ભરતી કરતી નથી. અને જ્યારે ભરતી કરવાનો સમય આવે છે ત્યારે જેમ બીજી ભરતીમાં આંકડો આપવામાં આવે છે કે કેટલા લોકોને ભરતી કરવામાં આવશે એ રીતે આ લોકોને આંકડો આપવામાં આવતો નથી. પરીક્ષા લીધા બાદ સરકારને જેમ મજા આવતી હોય એમ થોડા થોડા લોકોની ભરતી કરતા હોય છે. છ મહિના પહેલા એક પરીક્ષા લેવામાં આવી અને ફક્ત 183 લોકોનો ભરતીનો એક જ રાઉન્ડ સરકાર દ્વારા લેવામાં આવ્યો. હવે આગળની ભરતી ક્યારે શરૂ થશે બીજો કોઈ રાઉન્ડ શરૂ થશે કે નહીં એનું કંઈ ખ્યાલ નથી. એક વર્ષ પછી આ પરીક્ષાની અવધિ પણ પૂર્ણ થઈ જાય છે માટે આ તમામ યુવાનો સરકાર પાસે રજૂઆત કરવા માટે આવ્યા છે.
તાત્કાલિક મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવે એવી યુવાનોની માંગ
વધુમાં AAP નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે, યુવાનોની પહેલી માંગ છે કે ભરતી બહાર પાડવામાં આવે ત્યારે આંકડો પણ બહાર પાડવામાં આવે અને મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવે. હવે સરકાર કોન્ટ્રાક્ટ પદ્ધતિ તરફ જઈ રહી છે તો હું સરકારને કહેવા માગું છું કે કોન્ટ્રાકટ અને આઉટસોર્સિંગની વ્યવસ્થા બંધ કરો અને કાયમી ભરતી કરો અને આજે 4800 લોકોએ પરીક્ષા આપીને પાસ થયા છે એમાંથી વધુમાં વધુ લોકોને નોકરી આપો. આ મુદ્દે સરકાર ઝડપથી નિરાકરણ લાવે નહિતર પ્રવિણ રામ આ મુદ્દે સમગ્ર ગુજરાતમાં આંદોલન કરશે અને ગાંધીનગરમાં પણ GenZ આંદોલન થશે.