આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આજે ગાંધીનગરમાં ‘આદિવાસી ન્યાય મહાસંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાસંમેલનમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકઠા થયા હતા અને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા, હેમંત ખવા, પ્રદેશ ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામ, યુવા મોરચા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, મહિલા મોરચા પ્રમુખ પાયલ સાકરીયા, ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની શકુન્તલાબેન અને વર્ષાબેન વસાવા, પ્રદેશ ઉપપ્રમુખો યુવરાજસિંહ, કાયનાત અંસારી આથા, રાજુ વલવાઈ, પ્રદેશ સંગઠન મંત્રીઓ નિરંજન વસાવા, બાબુભાઈ ડામોર, કમલેશ પટેલ, નિકુંજ સાવલિયા, મહેશ અણઘણ, વિક્રમ દવે, રાજુ બોરખતરીયા, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા, રાકેશ બારિયા, મુકેશ ડાભી, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ જનસભામાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજીએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે સમગ્ર ગુજરાતમાં દારૂનો અને ડ્રગ્સનો વેપાર થઈ રહ્યો છે, પરંતુ એ માફિયાઓને સરકાર જેલમાં નથી નાખતી, ચારેબાજુ અપરાધ થઈ રહ્યા છે તો એના અપરાધીઓને જેલમાં નથી નાખતી, પરંતુ ચૈતર વસાવાએ લોકોનો અવાજ ઉઠાવ્યો, મનરેગાના કૌભાંડનો અવાજ ઉઠાવ્યો, એટલા માટે ચૈતર વસાવાને જેલમાં નાખવામાં આવ્યા. ઝઘડિયામાં ફેક્ટરીના મજૂરો માટે ચૈતર વસાવાએ અવાજ ઉઠાવ્યો, સમગ્ર ગુજરાતના આદિવાસી લોકો માટે અવાજ ઉઠાવ્યો અને એટલા માટે જ ભાજપ સરકાર ચૈતર વસાવાથી ડરી રહી હતી. અગાઉ પણ જ્યારે ચૈતર વસાવાને જેલમાં નાખ્યા હતા ત્યારે વિધાનસભા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જનતાએ ચૈતર વસાવાને મોટી જીત અપાવી હતી અને આ વખત પણ જ્યારે ચૈતર વસાવાને જેલમાં નાખ્યા છે તો એનો જવાબ જનતા 2027માં ભાજપની સરકાર ઉખાડીને આપશે. આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં લોકોનો અવાજ બની રહી છે, આદિવાસી સમાજનો અવાજ બની બની રહી છે, સૌરાષ્ટ્રમાં ખેડૂતોનો અવાજ બની રહી છે, ઉત્તર ગુજરાતમાં પશુપાલકોનો અવાજ બની રહી છે. જો આ લોકોએ ઝુલ્મ કરવાનું બંધ ન કર્યું, તાનાશાહી બંધ નહીં કરી, તો તમને ગુજરાતમાં એ રીતે હરાવવામાં આવશે કે તમને આખા ગુજરાતમાં કોઈ જગ્યા નહિ મળે. ચૂંટણી લડવી અને જીતવી એ હવે નાની બાબત છે પરંતુ જો તમારે ધારાસભ્ય ચૈતર વસાવા પર કરવામાં આવેલા અત્યાચારનો બદલો લેવો હોય અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવી હોય તો તમામ લોકોએ મજબુરીથી કમર કસી લેવી પડશે. ગુજરાતમાં પરિવર્તન ઈચ્છતા હોય તો કેવો હોંસલો જોઈએ, કેવી ઉર્જા જોઈએ, એ જાણવું હોય તો એક વખત ચૈતરભાઈ અને તેમના પરિવારને જોઈ લેજો. ચૈતરભાઈ જેલમાં છે, તેમના ભાઈ હોસ્પિટલમાં છે, તેમના પરિવારમાં નાના નાના બાળકો છે તેમ છતાં પણ તેમના બંને ધર્મપત્ની બંને વીરાંગનાઓ 24 તારીખથી ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે, તેઓ આદિવાસી સમાજના હક અને ન્યાય માટે નીકળ્યા છે. તો ગુજરાતમાં પરિવર્તન ત્યારે આવશે જ્યારે તમે આ બંને બહેનોની જેમ મજબૂતીથી મહેનત કરશો. પોતાના વિસ્તારમાં દરેક વ્યક્તિ મજબૂતીથી સંગઠન બનાવે. આપણે દરેક વિધાનસભામાં એવા નેતૃત્વની જરૂરત છે જે કોઈપણ પરિસ્થિતિમાં ડરે નહીં અને ઝુકે નહીં. બીજું આપણે મજબૂત સંગઠનની જરૂર છે અને ત્રીજી સૌથી મહત્વપૂર્ણ વસ્તુ જેની આપણે જરૂરત છે એ છે ગુજરાતના દરેક દબાયેલા – કચડાયેલા વર્ગના લોકો માટે આંદોલન કરવાની જરૂરત છે. દિવાળી બાદ દરેક બૂથ પર સંગઠન મજબૂત કરવાનું છે અને નવા વર્ષની શરૂઆતમાં દરેક વિધાનસભામાં દરેક ગામ અને શહેરમાં આંદોલનના અવાજ ઉઠાવવાના છે. એક ચૈતર વસાવાને આ લોકો જેલમાં નાખી શકે છે પરંતુ દરેક ગામથી ચૈતર વસાવા નીકળશે તો ભાજપની જેલો પણ ઓછી પડી જશે પરંતુ ચૈતર વસાવાના સમર્થકો ઓછા નહીં પડે. આ બંને બહેનોએ જે મહેનત કરી છે એ બદલ એમને સલામ છે.

ત્યારબાદ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, આજે થોડા સમયમાં કેબિનેટની મીટીંગ થવા જઈ રહી છે અને આશા રાખીએ છીએ કે ભગવાન એ લોકોને સદબુદ્ધિ આપે અને આટલી મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોને જોઈને એ લોકો નિર્ણય લઈ લે કે ધારાસભ્ય ચૈતર વસાવાને મુક્ત કરવામાં આવે. હું એ લોકોને કહેવા માગું છું કે આજે જ કેબિનેટની મિટિંગમાં સહી કરીને નિર્ણય લઈ લો નહિતર 2027 માં તમે તમામ લોકો ઘર ભેગા થશો. જ્યાં સુધી તમારી સહીમાં શક્તિ છે ત્યાં સુધી સારી રીતે સહી કરો નહીંતર જનતા જો સાવરણાનું બટન દબાવી દેશે તો તમારી પેનમાં કે તમારામાં કોઈ તાકાત વધશે નહીં. ગુજરાતમાં સામાન્ય ગાળાગાળી, બોલાચાલી કે ધક્કા મુક્કીનો કેસ હોય તો પણ દસ વર્ષ સુધી કેસ આગળ વધતો નથી પરંતુ ચૈતરભાઈનો કેસ એક જ વર્ષમાં ચાલી ગયો, આગળ વધ્યો અને તેમને સજા પણ કરી દેવામાં આવી, તો આપણને સવાલ થાય છે કે આટલી બધી ઝડપ કેમ કરવામાં આવી? અને જો આટલી ઝડપથી જ કોર્ટમાં કામ થતું હોય તો પછી તો ગુજરાતમાં કોઈ દુઃખી જ ન રહેતું. ચૈતરભાઈ એક દિવસ પણ પોતાના ઘરે બેસતા નથી, તેઓ હંમેશા લોકોની લડત લડતા રહે છે, અને ભાજપથી આ જોવાતું ન હતું અને એ લોકોએ વિચાર્યું કે જો ચૈતર વસાવાને રોકવામાં નહીં આવે તો ભવિષ્યમાં ભાજપની સરકાર પણ પડી શકે તેમ છે એટલા માટે એ લોકોએ ચૈતરભાઈને હરાવવાની ઘણી કોશિશ કરી પરંતુ હવે કોઈ પણ ચૂંટણીમાં પણ ચૈતરભાઈને હરાવી શકાય એવો માહોલ નથી કારણ કે જનતાએ ચૈતરભાઈને પોતાના દિલમાં સ્થાન આપી દીધું છે. એટલા માટે એ લોકોએ ચૈતર વસાવાને કોર્ટમાં હરાવવાનું નક્કી કર્યું. આખા ગુજરાતમાં દારૂ વેચનારા લોકો ગળામાં ભાજપનું લાયસન્સ લઈને ફરે છે અને પોલીસ એમને રોકતી નથી, ભાજપના લોકોએ નદીઓને ખોદી ખોદીને નદીઓ બરબાદ કરી, કેમિકલ વાળું પાણી નાખીને નદીઓ બરબાદ કરી પરંતુ કોઈની મજાલ નથી કે આ માફિયાઓને પકડીને કોઈ જેલમાં નાખે કારણ કે એ લોકોએ ભાજપનું લાયસન્સ ગળામાં પહેરેલું છે. મને અને ચૈતરભાઈને અમારી વિધાનસભાના લોકોએ જનતાની લડાઈ લડવાનું લાઇસન્સ આપ્યું અને ભાજપનું લાયસન્સ ન લીધું એટલા માટે ચૈતરભાઈને જેલમાં પૂર્યા અને હવે એ લોકો કહી રહ્યા છે કે હવે ગોપાલનો વારો છે. હું એમને એટલું જ કહીશ કે “આવી જાઓ” અમને જેલથી ડર નથી લાગતો પરંતુ જો જનતા 2027 માં સાવરણો દબાવી દેશે અને અમારી સરકાર આવી જશે તો તમે કઈ કોઠી પાછળ છુપાઈને રડશો એ જગ્યા અત્યારથી જ નક્કી કરી દેજો.

ત્યારબાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ સભામાં ઉપસ્થિત હજારો લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે સત્તામાં બેસેલા લોકોએ લોકતંત્ર ખતમ કરવાનું કામ કર્યું છે એટલા માટે સમગ્ર દેશમાં લોકતંત્ર બચાવવા માટે અવાજ ઉઠાવી રહ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવા સત્તાની સામે લડવાનું કામ કરે છે અને સત્તામાં બેઠેલા લોકોએ લોકતંત્રનું ગળું દબાવીને ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં મોકલવાનું કામ કર્યું છે. ચૈતર વસાવા એક નિર્દોષ યુવાન છે જેમના પર ખોટો કેસ કરીને તેમને દબાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે કારણ કે તેઓ સામાન્ય માણસનો અવાજ ઉઠાવી રહ્યા છે. આ સરકાર ઈચ્છે છે કે કોઈ સવાલ ન પૂછે, કોઈ અવાજ ન ઉઠાવે, સરકાર ઈચ્છે છે કે આપણે તેમની નીતિઓને અપનાવીએ અને ગુલામીની જિંદગી જીવીએ પરંતુ ચૈતર વસાવાએ સાબિત કરી દીધું છે કે લોકતંત્ર બચાવવાની લડાઈ હવે ગુજરાતના યુવાનો લડશે. ભાજપની ગુલામીમાંથી દેશ મુક્ત થાય કે ન થાય પરંતુ 2027 માં ગુજરાતને ભાજપની ગુલામીમાંથી મુક્ત કરવાનું કામ કરવાનું છે. હવે આ લોકતંત્રને બચાવવા માટે આપણે એકજૂટ થઈને જાગૃત થવું પડશે. આજે આમ આદમી પાર્ટી ગુજરાતમાં આશાનું કિરણ બની રહી છે અને હવે ગુજરાતના લોકોએ આમ આદમી પાર્ટીને મજબૂત કરવાનું કામ કરવું પડશે. આપણે અરવિંદ કેજરીવાલજીનો આભાર માનીએ કારણ કે તેમણે એક પ્લેટફોર્મ આપ્યું અને ચૈતર વસાવાને ધારાસભ્ય બનાવવાનું કામ કર્યું અને આજે ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે મજબૂતીથી લડાઈ લડી રહ્યા છે. આજે ગુજરાતના લોકો પણ સમજી ગયા છે કે ગુજરાતમાં બેસેલા તાનાશાહોને જો ખતમ કરવાનું કોઈ કામ કરશે તો એ આમ આદમી પાર્ટી છે. હવે આપણે તમામ લોકોની જવાબદારી છે કે આપણે તમામ લોકો હવે ચૈતર વસાવા બનીએ અને ગુજરાતનું નેતૃત્વ લઈએ અને એકજૂટ થઈને ગુજરાતના તાનાશાહોને ભગાવવાનું કામ કરીએ.

ત્યારબાદ આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ સભામાં ઉપસ્થિત હજારો લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ચૂંટણીઓ દર પાંચ વર્ષે આવતી હોય છે અને એ ચૂંટણી બાદ કોઈ ધારાસભ્ય બને, કોઈ મંત્રી બને અને કોઈ મુખ્યમંત્રી બને છે પરંતુ એક લોકનેતા બનવું એ ખૂબ જ મુશ્કેલ કામ છે. આપણે અત્યાર સુધી મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ જેવા લોક નેતાઓ વિશે ચોપડીઓમાં વાંચ્યું હતું પરંતુ આજના સમયમાં જો કોઈ વ્યક્તિ લોકનેતા હોય તો એ ચૈતર વસાવા છે. અન્ય રાજકીય કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવા માટે સરકાર ખૂબ જ મહેનત કરતી હોય છે પરંતુ આજે આપણી સમક્ષ જે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે એ ચૈતરભાઈની લોકચાહના બતાવી રહ્યા છે. આ આદિવાસી ન્યાય યાત્રાથી સરકારના પાયા ડગમગી ગયા છે. અંગ્રેજોના સીધી લીટીના વારસદાર એ ભૂલી ગયા છે કે આદિવાસી સમાજ અંગ્રેજો સામે પણ ઝૂક્યો ન હતો તો એમના વારસદાર સામે પણ ક્યારેય ઝુકશે નહીં. ચૈતરભાઇ પર તાનાશાહી ભાજપ સરકારે જેટલા પણ જુલમ કર્યા છે એ તમામ જુલમનો જવાબ 2027માં લેવાનો છે.

ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલાબેન વસાવાએ સભામાં ઉપસ્થિત હજારો લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ધારાસભ્ય ચૈતર વસાવાને ભારતીય જનતા પાર્ટી દ્વારા જેલમાં રાખવામાં આવ્યા છે, ત્યારે આદિવાસી સમાજમાં ખૂબ દુઃખ અને ભારે આક્રોશ છે કારણ કે આદિવાસી સમાજ હવે જાગી ગયો છે. ધારાસભ્ય હંમેશાં એસટી, ઓબીસી, માઈનોરિટી અને દરેક સમાજના હક-અધિકારો માટે લડતા આવ્યા છે; આજે શિક્ષણ બાબતે, શિક્ષકોની ભરતી માટે, વિદ્યાર્થીઓની સ્કોલરશિપ માટે, અનુસૂચિ-૫ માટે, પેસા (PESA) એક્ટ માટે અને જંગલ-જમીનના અધિકારો માટે જ્યારે ચૈતર વસાવા અવાજ ઉઠાવે છે, ત્યારે આ ભાજપની તાનાશાહી સરકાર તેમને વારંવાર જેલ ભેગા કરાવે છે. પણ આપણે આ જેલનો બદલો ૨૦૨૭ની ચૂંટણીમાં વોટ આપીને લેવાનો છે, કારણ કે ચૈતર વસાવાએ પોતાના પરિવારની ક્યારેય ચિંતા કર્યા વગર સમાજ માટે જેલ પસંદ કરી છે પણ ભાજપમાં જવાનું પસંદ કર્યું નથી. ગુજરાતમાં માત્ર આપણા ચૈતર વસાવા જ એવા ધારાસભ્ય છે જે વિધાનસભામાં ચૂંટાયા પછી આદિવાસી સમાજના હક અને અધિકારો માટે લડતા આવ્યા છે અને અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે, ત્યારે આપણે પણ એક થવું પડશે અને આપણા સમાજ માટે જાગવું પડશે.

ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવાએ સભામાં ઉપસ્થિત હજારો લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આપણા હક માટે લડતા નેતા આજે સ્ટેજ પર આપણી વચ્ચે નથી તેનું દુઃખ છે, પરંતુ ખોટી રીતે જેલની યાતનાઓ વેઠતી વખતે પણ ચૈતરભાઈએ પોતાની હિંમત અને મનોબળ મજબૂત રાખ્યું છે. ઉમરગામથી નીકળ્યા ત્યારથી માતાઓ અને વડીલોએ જે આશીર્વાદ અને સાથ-સહકાર આપ્યો છે, તેણે અમારું મનોબળ વધાર્યું છે. ઘરના મોભી વગર પરિવાર અને બાળકો પર કેવી વીતે છે તે અમે નજીકથી અનુભવીએ છીએ, પરંતુ આદિવાસી સમાજ અને આમ આદમી પાર્ટીના સમર્થનથી આપણને મોટી તાકાત મળી છે. ૧ કરોડ ૨૫ લાખની વસ્તી ધરાવતા આપણા સમાજે જળ, જંગલ અને જમીન બચાવવા એકતા બતાવવી પડશે. ગામડે-ગામડે લોકોએ કહ્યું કે તમારા સિવાય અમારા ખબર પૂછવા કોઈ નથી આવ્યું, અને ચૈતરભાઈ જેલમાં ગયા ત્યારથી કેટલાક યુવાનોએ અન્નનો ત્યાગ કર્યો છે—લોકોનો આ અપાર પ્રેમ જોઈને અમને પૂરો વિશ્વાસ છે કે સમાજ આપણી સાથે છે. આગામી ૧૫ નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની ૧૨૧મી જન્મજયંતી આપણે ડેડિયાપાડા ખાતે સૌ ભેગા મળીને ભવ્ય રીતે ઉજવીશું.

ત્યારબાદ આમ આદમી પાર્ટીના યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ બ્રીજરાજ સોલંકીએ સભામાં હાજર હજારો લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપણે ડરાવવા માટે પોલીસ મોકલી હતી. એમણે વિચાર્યું હતું કે આદિવાસી સમાજને ડરાવી દઈએ, વેરવિખેર કરી દઈએ, તેમ છતાં પણ આજે હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો આ કાર્યક્રમમાં એકઠા થયા એ બદલ તમામને સલામ છે. એસસી, એસટી, ઓબીસી, ખેડૂત, મજુર, વિદ્યાર્થી, યુવાનો સહિત તમામ અઢારેય વર્ણના ગુજરાતના તમામ લોકોનો અવાજ ઉઠાવવા માટે ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો હતો. માટે હવે ચૈતર ભાઈને ન્યાય અપાવવા માટે આપણે તમામે એક થવાની જરૂરત છે. ધારાસભ્ય ચૈતર વસાવા અનુસૂચિ પાંચ, પેસા એક્ટ, જળ જંગલ જમીનના મુદ્દા પર વારંવાર અવાજ ઉઠાવી રહ્યા છે અને ભાજપની સરકારને આ ગમતું નથી. ચૈતર વસાવા પર એક નહીં પરંતુ 22 કેસો કરવામાં આવ્યા અને અનેકવાર જેલમાં નાખવામાં આવ્યા અને આ બધાથી ઉપર આદિવાસી સમાજની દીકરી શકુંતલાબેનને પણ આ લોકોએ જેલમાં મોકલ્યા હતા. આનાથી આદિવાસી સમાજને ગુસ્સો નથી આવતો? આ જેલનો જવાબ વોટથી આપવાનો છે.

ત્યારબાદ આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ તથા કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રવિણ રામે સભામાં હાજર હજારો લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, જ્યારે પરિવારનો એક મોભી વારંવાર કોઈ કારણો વગર જેલમાં જાય અને પરિવાર પર મોટું સંકટ આવે, ત્યારે આવા કપરા સમયમાં ધારાસભ્ય ચૈતર વસાવાના બંને ધર્મપત્ની, આ બંને વીરાંગનાઓએ ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી ન્યાય યાત્રા નીકાળી અને સફળતાપૂર્વક અંબાજીમાં આ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું. અને આ યાત્રામાં અનેક સારા અનુભવ થયા અને મેં ખાસ એ વાત જોઈ કે ચૈતરભાઈને ન્યાય અપાવવા માટે જેટલા પુરુષો આ યાત્રામાં જોડાઈ રહ્યા હતા એટલી જ મોટી સંખ્યામાં સ્ત્રીઓ પણ જોડાઈ રહી હતી અને આ ખૂબ જ મોટી વાત હતી. હું ચોક્કસ કહી શકું છું કે અંબાજીના અંબે માતા સહિત અનેક દેવી-દેવતાઓ અને આપણા સમાજના મહાપુરુષોના આશીર્વાદ મળ્યા છે એટલા માટે હું ચોક્કસપણે કહી શકું છું કે હવે ધારાસભ્ય ચૈતર વસાવા કે તેમના પરિવાર કે આદિવાસી સમાજનો હવે કોઈ વાળ પણ વાંકો કરી શકશે નહીં. ચૈતર વસાવાએ આદિવાસી સમાજના લોકો માટે લડવાનું કામ કર્યું, જળ, જંગલ, જમીન માટે લડવાનું કામ કર્યું છે, ખેડૂતો યુવાનો, મહિલાઓ માટે લડત લડવાનું કામ કર્યું છે, આમ આદમી પાર્ટીએ આદિવાસી સમાજ માટે લડત લડવાનું કામ કર્યું છે અને એની સામે ભાજપે ચૈતર વસાવા પર અત્યાચાર કરવાનું કામ કર્યું છે. તો 2027 માં હવે અન્યાયનો બદલો લેવાનો છે.