આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં આંદોલન કરી રહેલા વિદ્યાર્થી નેતાઓ સાથે આજે કેટલાક મંત્રીઓએ મુલાકાત કરીને તેમની માંગણીઓ પર ચર્ચા કરી હતી. આપણી મુખ્ય માંગણી એ જ હતી કે NEET પેપર લીક માટે સીધા જવાબદાર એવા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પોતાની જવાબદારી સ્વીકારીને તરત જ રાજીનામું આપે. પરંતુ સત્તાને સર્વોપરી ગણનારા અને ખુરશી સાથે ચોંટી રહેનારા ભાજપના નેતાઓ રાજીનામું આપવા તૈયાર નથી. સરકારના આ અહંકારી વલણને કારણે આ આંદોલન હવે વધુ ઉગ્ર બની રહ્યું છે અને સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યું છે. દેશના યુવાનોની બહુ સીધી માંગણી છે તેમણે કોઈ નરેન્દ્ર મોદીજીની કિડની નથી માંગી, તેમણે તો માત્ર શિક્ષણ મંત્રી રાજીનામું આપે અને ગડબડ માટે જવાબદેહી નક્કી થાય તે જ માગ્યું છે.
દિલ્હી બાદ હવે ગાંધીનગરમાં પણ શિક્ષા માટે ધરણા
તેમણે આગળ ઉમેર્યું કે, આજે ગુજરાતના યુવાનો પણ આ માંગ સાથે સતત સંઘર્ષ કરી રહ્યા છે. આવતીકાલે એટલે કે ૨૫મી જુલાઈએ, સવારે ૧૦ વાગ્યે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી મેદાન ખાતે સમગ્ર ગુજરાતના યુવાનો એકઠા થઈને સરકાર સમક્ષ પોતાનો અવાજ રજૂ કરશે. ભારતીય જનતા પાર્ટીનો અહંકાર હવે તૂટવો જોઈએ, કારણ કે લોકશાહીમાં આખરે લોકોની મરજી જ સર્વોપરી હોય છે. જ્યારે પ્રજા રસ્તા પર ઉતરીને માંગણી કરતી હોય, ત્યારે તેને સ્વીકારવાની નૈતિક જવાબદારી સરકારની છે. આપણે આશા રાખીએ છીએ કે ભાજપ યુવાનોના આ આક્રોશને સમજીને આ માંગણીઓ સ્વીકારશે. તો ચાલો, આવતીકાલે સવારે ૧૦ વાગ્યે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં ભેગા થઈએ.