આમ આદમી પાર્ટીના લીગલ સેલના પ્રદેશ પ્રમુખ એડવોકેટ પ્રણવ ઠક્કરે ભાજપ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, પોતાને હિન્દુ હિતેચ્છુ ગણાવતી ભારતીય જનતા પાર્ટીની સરકારે પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને નવરાત્રી ગરબા માટે ૧૨ જટિલ શરતો ધરાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. પાર્ટી પ્લોટ, ક્લબ, શેરી ગરબા અને સોસાયટી ગરબા બધા માટે સમાન નિયમો લાદવામાં આવ્યા છે. મોટા કોમર્શિયલ આયોજનો માટે લાઉડસ્પીકરની મંજૂરી, ૨૦૦ મીટરનું ટ્રાફિક મેનેજમેન્ટ, ફાયર સેફ્ટી, સિક્યોરિટી ગાર્ડ, સીસીટીવી અને અલગ એન્ટ્રી-એક્ઝિટ જેવા નિયમો શક્ય હોઈ શકે છે, પરંતુ નાની સોસાયટીઓ કે શેરી ગરબા માટે આ શરતોનું પાલન કરવું તદ્દન અશક્ય છે. માઁ જગદંબાની પવિત્ર આરાધના માટે પણ સરકારના આવા તઘલખી ફતવાઓ અને મંજૂરીઓ લેવી પડે તે અત્યંત આઘાતજનક છે.
આકરા નિયમોના ડરથી શેરી અને સોસાયટીના ગરબા બંધ થવાના આરે
’આપ’ નેતા અને એડવોકેટ પ્રણવ ઠક્કરે વધુમાં ઉમેર્યું હતું કે, સરકાર આવા આકરા નિયમો બનાવીને પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે અને કાલ સવારે કોઈ અઘટિત બનાવ બને તો આયોજકોને લાઈન દોરી દેવા માટે આ ફતવાઓ લાવવામાં આવ્યા છે. આવા નિયમોના ડરથી સોસાયટીઓ અને શેરીઓમાં ધીમે ધીમે આપણી પરંપરાગત નવરાત્રી બંધ થઈ રહી છે, કારણ કે ભાજપ એ માત્ર વેપલો કરતી પાર્ટી છે જેને ધર્મ કે પરંપરા સાથે કોઈ લેવાદેવા નથી. પાર્ટી પ્લોટ અને ક્લબમાં પોતાના મળતિયાઓનો મોટો આર્થિક વેપલો ચાલતો રહે તે માટે જ નાના શેરી ગરબાને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. શેરી કે સોસાયટી ગરબામાં કોઈ પણ પરમિશન કે કાનૂની મુશ્કેલી પડે તો આમ આદમી પાર્ટીનુ લીગલ સેલ સંપૂર્ણ મદદ માટે તૈયાર છે. પ્રજાના અધિકારો અને નવરાત્રીની સંસ્કૃતિ બચાવવા માટે ’આપ’ દ્વારા હાઈકોર્ટમાં પણ અરજી કરવામાં આવશે.