આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં નીકળેલી આદિવાસી ન્યાય યાત્રાના આઠમાં દિવસે દાહોદ જિલ્લાના લીમડી ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્નીઓ શ્રીમતી શકુંતલાબેન વસાવા અને શ્રીમતી વર્ષાબેન વસાવા, પ્રદેશ ઉપપ્રમુખ રાજુભાઈ વલવાઈ, પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવા, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા તેમજ દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશ બારિયાએ ઉપસ્થિત રહીને સરકાર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. આ તકે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ રાજુભાઈ વલવાઈએ જણાવ્યું હતું કે આ યાત્રા આદિવાસીઓ માટે હર હંમેશ લડતા, આદિવાસીઓના હક અધિકાર માટે લડતા, આદિવાસીઓની અસ્મિતાને ઉજાગર કરતા અને આદિવાસીઓના પ્રેરણાસ્ત્રોત એવા ચૈતરભાઈ વસાવાને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ષડયંત્ર કરીને સાત વર્ષની જેલની સજા અપાવી છે. એના ન્યાય માટે, ન્યાય લેવા માટે ચૈતરભાઈનો પરિવાર તેમના ધર્મપત્નીઓ શકુંતલાબેન અને વર્ષાબેન આ યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે અને આખા ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસીઓ પાસે તેમના સમર્થનની માંગણી કરી રહ્યા છે.

પહેલા દિવસે ૨૪ તારીખે જ્યારે યાત્રા ઉમરગામથી નીકળી ત્યાંથી માંડીને આજે આઠમા દિવસ સુધી ઠેર ઠેર હજારો અને લાખોની સંખ્યામાં આદિવાસીઓ આ યાત્રાને અને ચૈતરભાઈને ન્યાય અપાવવા માટે સમર્થન કરી રહ્યા છે. ચૈતરભાઈ આ દાહોદ જિલ્લા માટે ખૂબ લડ્યા, દાહોદ જિલ્લાના જેટલા પણ પ્રશ્નો હતા એના માટે પણ લડ્યા. ત્યાંના આપણા સાંસદ જશવંતસિંહ ભાભોર જે અગાઉ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે, રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે અને ૩૦ વર્ષથી ભાજપનું શાસન છે, છતાં આજે તમે આ લીમડીના બસ સ્ટેન્ડ ઉપર, દાહોદના બસ સ્ટેન્ડ ઉપર કે દાહોદ જિલ્લાના કોઈ પણ બસ સ્ટેન્ડ ઉપર જોશો તો માથે પોટલા લઈને રોજગારી માટે હજારોની સંખ્યામાં લોકો ત્યાંથી પલાયન કરી રહ્યા છે. એના સિવાયનો દાહોદ જિલ્લાનો જે સૌથી મોટો પ્રશ્ન છે કે જેના માટે ચૈતરભાઈ વારંવાર અહીંયા આવીને લડતા હતા એ છે અહીંની જમીનનો. અહીં જે એક્સપ્રેસ હાઈવે પસાર થયો, એરપોર્ટ બની રહ્યું છે અને અત્યારે એક રેલવે લાઇન નવી પસાર થઈ રહી છે. આની અંદર હજારો આદિવાસીઓની જમીન સંપાદન થઈ છે, એ આદિવાસીઓ પાસે રોજગારી નથી, આદિવાસીઓ માટે પોતાનું ભરણપોષણ કરવા માટે જમીન નથી રહી અને ત્યાં આ હજારો હેક્ટર જમીન જ્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસીઓ પાસેથી પડાવી લેતી હોય અને ચૈતરભાઈ ત્યાં લડતા હોય, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે એને ષડયંત્રમાં ફસાવીને ચૈતરભાઈને જેલમાં પૂર્યા છે, પણ હું આ ગુજરાતના આદિવાસીઓને આપના માધ્યમથી કહેવા માંગું છું કે આપણે ચૈતરભાઈને સંદેશ પહોંચાડવાનો છે કે તમારી લડાઈ અમે આગળ ચલાવીશું, તમારા પરિવારની સાથે અમે ઊભા રહીશું અને અમે તમારી સાથે પણ ઊભા રહીશું.

ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્નીઓ શકુંતલાબેન વસાવા અને વર્ષાબેન વસાવાએ જણાવ્યું હતું કે વિકાસના પ્રોજેક્ટ્સ અને ફેક્ટરીઓ બનાવવા માટે જમીનો પોતાના ગામડાઓ ખાલી કરીને આપવામાં આવી છે, પરંતુ એનું આજદિન સુધી કોઈ પણ વળતર ચૂકવવામાં આવ્યું નથી અને આદિવાસી વિસ્તારોમાં લોકોને આજે પણ રોજગારી નથી મળી રહી, તેઓ આજે પણ આમ જ રઝળી રહ્યા છે. અમે આજના દિવસે એ પણ કહેવા માંગીએ છીએ કે આદિવાસી વિસ્તારોમાં લોકોને ખૂબ તકલીફ પડે છે અને જ્યારે ગામડાઓમાં અકસ્માત રીતે આગ લાગે છે, ત્યારે ફાયર બ્રિગેડની સુવિધાઓ પણ ઉપલબ્ધ હોતી નથી, જેથી તેની તાત્કાલિક ધોરણે સુવિધાઓ કરવામાં આવે તેવી અમારી માંગ છે. ધારાસભ્યને ખોટી રીતે જેલમાં ફસાવવામાં આવ્યા છે, ત્યારે ઉમરગામથી મોટી સંખ્યામાં લોકો ગામડે-ગામડે અમારું ખૂબ ધામધૂમથી સ્વાગત કરે છે, અમને માન-સન્માન આપે છે અને જે ખોટી રીતે જેલમાં મોકલ્યા છે, સાત વર્ષની સજા કરી છે, તેનો જવાબ આપવા માટે જનતાએ મન મનાવી લીધું છે કે આપણે જેલનો જવાબ ૨૦૨૭માં વોટથી આપવાનો છે. બધી જગ્યાએ ખૂબ માન-સન્માન મળી રહ્યું છે. આદિવાસી સમાજ ખૂબ મોટો છે, ૧ કરોડ ૨૫ લાખની વસ્તી ધરાવે છે અને તમામ આદિવાસી સમાજને અમે અપીલ કરી છે કે આપણે એકતા બતાવવાની જરૂર છે. આપણા આદિવાસીઓ સાથે ખૂબ અન્યાય થઈ રહ્યો છે, એના માટેની આ એક લડત છે. આ યાત્રાની અંબાજી ખાતે પૂર્ણાહુતિ થવાની છે અને ૪ તારીખે ગાંધીનગરમાં મહાસભાનું આયોજન કર્યું છે, ત્યાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો પધારે તેવી હું તમામ જનતાને અપીલ કરીએ છીએ.