આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાડથર જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો અંગે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આ પરિણામ એ ભાજપના અહંકાર, જાતિવાદ, નાણાંબળ અને પોલીસ તંત્રના દુરુપયોગની કારમી હાર છે, જ્યારે મારા ખેડૂતો, મજૂરો, ભાગિયાઓ અને શ્રમિકોની ભવ્ય જીત છે. વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરીને ભાજપ સરકારે એવું બતાવવાનો પોકળ પ્રયાસ કર્યો હતો કે ખેડૂતો ખૂબ સુખી છે, પરંતુ જનતાએ જંગી મતદાન કરીને સરકારના આ દાવાઓ ફગાવી દીધા છે. ભાડથર જિલ્લા પંચાયત બેઠક પર સામાન્ય પરિવારમાંથી આવતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિરુભાઈને આશરે ૩૭૦૦ જેટલી ઐતિહાસિક લીડ મળી છે. ભાજપના લગભગ ૧૫૦ જેટલા મોટા નેતાઓ ગાડીઓ અને બાઈકો લઈને ગામડે ગામડે ફરતા હતા, અનેક જગ્યાએ નાણાંની લાલચો આપી, ધમકીઓ આપી અને જાતિવાદ ફેલાવવાનો પૂરતો પ્રયાસ કર્યો, છતાં ખેડૂતો અને શ્રમિકોએ એકતા બતાવીને આ તમામ અસામાજિક તત્વોને આકરો ધિક્કાર આપ્યો છે.
ભાજપના નાણાં અને પોલીસ દુરુપયોગની હાર થઈ
ઈસુદાન ગઢવીએ વધુમાં ઉમેર્યું હતું કે, વિરુભાઈ, હું કે આમ આદમી પાર્ટી તો માત્ર નિમિત્ત છીએ, અસલી જીત તો આ વિસ્તારના પીડિત ખેડૂતો અને મજૂરોની એકતાની થઈ છે, કારણ કે બેઠકના દરેક ગામમાંથી ’આપ’ ને જંગી લીડ પ્રાપ્ત થઈ છે. ભાજપ સરકારે હજુ પણ જાગવાની અને સુધરવાની જરૂર છે, જો તાત્કાલિક ધોરણે આ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં નહીં આવે અને ખેડૂતો માટે સિંચાઈના પાણી, પીવાના પાણી તથા પશુઓ માટે ઘાસચારાની યોગ્ય વ્યવસ્થા નહીં કરાય, તો આવનારા સમયમાં આક્રોશ વકરશે. શાસકો યાદ રાખે કે જો ખેડૂતોના પ્રશ્નો નહીં ઉકેલાય તો આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના પ૪ લાખ ખેડૂતો સંગઠિત થઈને ભારતીય જનતા પાર્ટીના આખા રાજ્યમાંથી સુપડા સાફ કરી નાખશે.