આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અને પ્રદેશ સંગઠન મંત્રી રાજુભાઈ બોરખતરીયાએ દ્વારકા જિલ્લાની ભાડથર જિલ્લા પંચાયત પેટા ચૂંટણીના પરિણામો અંગે હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ પરિણામ એ માત્ર આમ આદમી પાર્ટીની જીત નથી પરંતુ સમગ્ર ગુજરાતના પીડિત ખેડૂતોની ઐતિહાસિક જીત છે. આ પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિરુભાઈ કંડોરિયા જંગી બહુમતીથી વિજયી બન્યા છે. રાજ્યમાં પ્રવર્તતી આકરી પરિસ્થિતિ છતાં ભાજપ સરકારના મંત્રીઓએ અહંકાર અને તોછડી ભાષામાં ‘દુષ્કાળ જાહેર નહીં થાય’ તેવો જે બેજવાબદાર જવાબ આપ્યો હતો, તે અહંકાર સામે ખેડૂતોએ પોતાની મત આપવાની શક્તિથી આકરો પ્રહાર કર્યો છે. ભાજપ સરકાર દ્વારા ખેડૂતો સાથે કરવામાં આવેલા સતત અન્યાય અને ઉપેક્ષા સામે ખેડૂતોએ એક થઈને આ વિજય અપાવ્યો છે.
ભાજપ સરકારના મંત્રીઓની તોછડી ભાષા અને અહંકારને ખેડૂતોએ આપ્યો આકરો જવાબ
રાજુભાઈ બોરખતરીયાએ વધુમાં ઉમેર્યું હતું કે, આ જીત એ ખેડૂતોની અડગ નીતિ અને મજબૂત એકતાનું પરિણામ છે, જેમણે નક્કી કરી લીધું હતું કે વિષમ પરિસ્થિતિમાં પણ ખેડૂતોની પીડા પ્રત્યે આંખ આડા કાન કરનારી ભ્રષ્ટ ભાજપ સરકારને આ વખતે સખત જવાબ આપવો જ પડશે. સત્તાધારી પક્ષના અહંકારને ચૂર કરીને ખેડૂતોએ સંગઠિત થઈને યોગ્ય જવાબ આપી દીધો છે. ભાડથર જિલ્લા પંચાયત પેટા ચૂંટણીમાં મળેલી આ ભવ્ય અને જંગી બહુમતીથી સમગ્ર પક્ષ અને ખેડૂત આલમમાં ભારે આનંદનો વ્યાપ છે. ખેડૂતોના આ ઐતિહાસિક અધિકાર અને વિજયનો ઉત્સાહ આપણે સૌ સાથે મળીને ઉજવીશું અને ઈમાનદારીની આ લડાઈને આગળ પણ આ જ રીતે મજબૂતીથી ચાલુ રાખીશું.