આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં નીકળેલી ‘આદિવાસી ન્યાય યાત્રા’ પોતાના છઠ્ઠા દિવસે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે આવી પહોંચી હતી, જ્યાં સ્થાનિક જનતા દ્વારા દેશી ઢોલના તાલે અને આદિવાસી નૃત્ય સાથે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓનું અત્યંત ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં આમ આદમી પાર્ટી કિસાન મોરચાના અધ્યક્ષ પ્રવીણ રામ, પ્રદેશ સંગઠન મંત્રી તથા નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા, પ્રદેશ ઉપપ્રમુખ રાજુભાઈ વલવાઈ તેમજ વિશેષરૂપે ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્નીઓ શકુંતલાબેન અને વર્ષાબેન ઉપસ્થિત રહ્યા હતા, જેને લઈને આદિવાસી સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકોએ આ યાત્રાને ખુલ્લા દિલથી અપાર સમર્થન પૂરું પાડ્યું હતું. ક્વાંટ ખાતે યોજાયેલી સભામાં આમ આદમી પાર્ટીના કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, તેમણે ગત દિવાળી જેલમાં વિતાવવી પડી હતી અને આ સરકારના અન્યાય સામે આપણે સતત લડી રહ્યા છીએ. ભાજપના નેતાઓ એવું માને છે કે આદિવાસી સમાજનો અવાજ દબાવી દેવાથી આંદોલન સમેટાઈ જશે, પરંતુ તેઓ ભૂલી ગયા છે કે આ જનતા પોતાના હક માટે જાગૃત થઈ ચૂકી છે. શકુંતલાબેન અને વર્ષાબેને જે હકીકતો સામે મૂકી છે તે અત્યંત ગંભીર છે. શકુંતલાબેનને કોઈપણ જાતના વાંક-ગુના વગર ત્રણ-ત્રણ મહિના સુધી ખોટી રીતે જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, પરંતુ માંડ ૧૭ દિવસની નાની, માસૂમ દીકરી કે જેણે હજુ આ દુનિયા પણ બરાબર જોઈ નથી, તેને પણ જેલના સળિયા પાછળ નાખવાનું પાપ આ સંવેદનશીલતા વગરની ભાજપ સરકારે કર્યું છે. આપણા પર કોઈ સામાન્ય વ્યક્તિ મુશ્કેલી ઊભી કરે તો કદાચ આપણે તેને માફ કરી દઈએ, પરંતુ જો કોઈ આપણી બહેન-દીકરીઓ અને પરિવાર પર આવા અત્યાચાર ગુજારે, તો તેને આદિવાસી સમાજ ક્યારેય માફ નહીં કરે. ભાજપ સરકાર દ્વારા આદિવાસી સમાજની દીકરીઓ અને માસૂમ બાળકો પર જે અત્યાચારો કરવામાં આવ્યા છે, તેનો હિસાબ આદિવાસી સમાજ આગામી સમયમાં ચોક્કસપણે લેશે. ચૈતર વસાવા આદિવાસીઓના જળ, જંગલ, જમીન અને હક-અધિકારો માટે લડી રહ્યા છે, ત્યારે તેમને ડરાવવા માટે આખી રાજ્ય સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ગુજરાતનો આદિવાસી સમાજ હવે આ અન્યાય સામે મૂકપ્રેક્ષક બનીને નહીં રહે, અને આ તાનાશાહી સરકારને જડબાતોડ રાજકીય જવાબ આપવા માટે સૌએ એકજુટ થઈને આ લડાઈમાં મજબૂતાઈથી જોડાવું પડશે.

આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવાએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, આદિવાસી બાળકો ઉચ્ચ અભ્યાસ ન કરી શકે અને તેમનું જીવન બરબાદ થાય તેવું ભાજપનું હંમેશાં કુટિલ લક્ષ્ય રહ્યું છે, પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભામાં આ ગંભીર મુદ્દો ઉઠાવીને શિષ્યવૃત્તિ શરૂ કરાવી જેનાથી અનેક યુવાનોને લાભ મળ્યો છે. નર્મદા જિલ્લામાં ભાજપને ઉખાડી ફેંકીને કવાંટ તાલુકામાં પણ આપણી બોડી બેસાડી છે ત્યારે કેટલાક સાંસદો ધમકીઓ આપે છે કે તેઓ આપણને બેસવા નહીં દે, પરંતુ ૩૦ વર્ષથી સત્તામાં હોવા છતાં આ વિકાસ કાર્યો ન કરનાર નેતાઓ આજે જનતાના પૈસાના વિકાસને પોતાનું કામ ગણાવે છે. ચૈતર વસાવા હંમેશાં લોકો માટે લડ્યા છે અને આજે જ્યારે તેમને અન્યાય કરીને જેલમાં પૂરવામાં આવ્યા છે ત્યારે તેમના પત્નીઓ નાના બાળકોને છોડીને ન્યાય માંગવા નીકળ્યા છે, કારણ કે પરિવારના મોભી વગર બાળકોની પીડા કેટલી અસહ્ય હોય છે તે આ નિર્દય સરકાર સમજી શકતી નથી. હાઇડ્રો-માઇનિંગ પ્રોજેક્ટ હેઠળ આપણા ઘરો ઉખાડી નાખવાના પત્રો પણ આવી ગયા છે ત્યારે આખરે આદિવાસી સમાજે એક થઈને જાગી જવું પડશે અને ચૈતર વસાવાને જેલમાંથી મુક્ત કરાવીને ૨૦૨૭ની ચૂંટણીમાં આ ભાજપ સરકારને જડબાતોડ જવાબ આપીને સત્તા પરથી ઉખાડી ફેંકવી પડશે.

ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલાબેન વસાવાએ જણાવ્યું હતું કે આ યાત્રાને ઉમરગામથી લઈને ક્વાંટ સુધી ગામડે-ગામડેથી જનતાનો ખૂબ જ ઉત્સાહભેર અને ધામધૂમથી પ્રતિસાદ મળી રહ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવા હંમેશાં આદિવાસી સમાજના જળ, જંગલ, જમીન, શિક્ષણ, વીજળી, રસ્તાઓ અને વિદ્યાર્થીઓની સ્કોલરશિપ તેમજ અનુસૂચિ પાંચ જેવા હક અને અધિકારો માટે લડ્યા છે, જ્યારે કોઈ ખેડૂતનો પાક રાત્રે ઉખેડી નાખવામાં આવે ત્યારે તેઓ અવાજ ઉઠાવે છે તો આ તાનાશાહી સરકાર તેમને વારંવાર ખોટા કેસ કરીને જેલમાં મોકલે છે. તેમણે ભાવુક થઈને જણાવ્યું કે ૩૦-૩૦ વર્ષથી સત્તા પર બેઠેલા નેતાઓ આદિવાસીઓના પ્રશ્નો પર મૂકપ્રેક્ષક બન્યા છે, અને જ્યારે અમને નવ જણાને સાત વર્ષની સજા કરીને જેલમાં પૂરવામાં આવ્યા ત્યારે ૧૭ દિવસની નાની બાળકી પણ અમારી સાથે જેલમાં હતી જેની પીડા કેદીઓની આંખોમાં પણ આસુ લાવી દેતી હતી, જેનો હિસાબ જનતા ૨૦૨૭માં લેશે. બીજી તરફ ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવાએ જણાવ્યું હતું કે ઉમરગામથી શરૂ થયેલી આ ન્યાય યાત્રા અંબાજી થઈને ગાંધીનગર ખાતે એક વિશાળ મહાસંમેલન તરફ આગળ વધી રહી છે ત્યારે સૌએ મોટી સંખ્યામાં જોડાઈને ચૈતર વસાવાને ન્યાય અપાવવો જોઈએ. તેમણે ક્વાંટની જનતાનો આભાર માનતા કહ્યું કે આજે તમારો લોકલાડીલો ભાઈ અને ધારાસભ્ય જેલની યાતના વેઠી રહ્યો છે ત્યારે તમારી દીકરીઓ અને બહેનો તમારી પાસે ન્યાય માંગવા આવી છે. ચૈતર વસાવા સરકારી નોકરી છોડીને માત્ર સમાજસેવા અને આદિવાસીઓના હક માટે સમર્પિત થયા છે અને હંમેશાં લોકોની વચ્ચે જ રહે છે, ત્યારે આજે પરિવારના મોભી વગર જે મુશ્કેલીઓ અને પીડાઓ આવી રહી છે તે આદિવાસી સમાજ સારી રીતે સમજે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આદિવાસી સમાજ આ મુશ્કેલ સમયમાં આ પરિવારની સાથે મજબૂતાઈથી ઊભો રહેશે અને પોતાના ભાઈના હાથ મજબૂત કરશે.