વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાડથર જિલ્લા પંચાયત પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિરુભાઈ કંડોરિયાના ભવ્ય વિજયને ગુજરાતના ખેડૂતોનો વિજય ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતો લાંબા સમયથી વર્તમાન વર્ષને સત્તાવાર રીતે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની વાજબી માગણી કરી રહ્યા છે, પરંતુ ભાજપ સરકાર સત્તાના ભારે અહંકારમાં એટલી હદે અંધ બની ગઈ છે કે તેને ખેડૂતોની વાસ્તવિક પીડા અને મુશ્કેલીઓ દેખાતી નથી. આ જ કારણસર ભાડથર પંચાયત વિસ્તારના ખેડૂતો, ખેતમજૂરો, ભાગિયાઓ અને પશુપાલકોએ સંગઠિત થઈને ભાજપને આ ચૂંટણીમાં ભૂંડામાં ભૂંડી રીતે હરાવવાનું કામ કર્યું છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિરુભાઈ કંડોરિયાને ૩,૫૦૦ કરતાં પણ વધુ મતોની જંગી લીડથી વિજયી બનાવ્યા છે.
’આપ’ ઉમેદવાર વિરુભાઈ કંડોરિયા 3500 કરતા વધુ મતોની જંગી લીડથી વિજયી બન્યા
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યુ હતુ કે જો સમગ્ર ગુજરાતના ખેડૂતો જાગૃત થઈને એક સાથે સંગઠિત બને અને ભાજપના શાસનને ઉખાડી ફેંકવાનો દ્રઢ સંકલ્પ કરે, તો દુનિયાની કોઈ તાકાત ખેડૂતોની શક્તિને રોકી શકે તેમ નથી. તેમણે દ્વારકા જિલ્લાના તમામ ખેડૂતોનો આભાર વ્યક્ત કર્યો હતો જેમણે પોતાના હક અને અધિકાર માટે ભાજપ સામે અવાજ ઉઠાવી તેમને જાકારો આપ્યો છે. ભાજપના નેતાઓને આકરી ચેતવણી આપતાં તેમણે જણાવ્યું હતું કે, સત્તાધીશો હજુ પણ સમયસર સુધરી જાય અને ખેડૂતોના હિતમાં તાત્કાલિક દુષ્કાળ જાહેર કરે; જો સરકાર પોતાની હઠ છોડશે નહીં, તો આગામી ૨૦૨૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સમગ્ર રાજ્યમાં ભાજપના વિરોધમાં ’ભાડથર’ જેવી જ કારમી સ્થિતિનું પુનરાવર્તન થવામાં વાર નહીં લાગે.