આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આજે દિલ્હીમાં સીજેપી, યુવાનો, Gen Z અને વિવિધ વિપક્ષી પાર્ટીઓ દ્વારા એક વિરાટ વિરોધ પ્રદર્શન (પ્રોટેસ્ટ) યોજાવાનું હતું. પરંતુ ભાજપ સરકાર એટલી બધી ડરી ગઈ છે કે તેમણે આ અવાજને દબાવવા માટે દિલ્હીના ૫૭ જેટલા મેટ્રો સ્ટેશનો બંધ કરી દીધા છે, ૨૨ રાજ્યોમાંથી આવતી ટ્રેનો રદ કરી દીધી છે અને હજી કદાચ ફ્લાઈટો પણ રદ કરવામાં આવશે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ૫૦,૦૦૦થી વધુ પોલીસ જવાનો, સીઆરપીએફ અને બીએસએફની ફોજો ઉતારી દેવામાં આવી છે. આ પરિસ્થિતિ જોતાં એવું કહી શકાય કે માત્ર એક જ્ઞાનેશ કુમારને હટાવવા કે બચાવવા માટે ભાજપે આખી દિલ્હી અને આજુબાજુના રાજ્યોને હાઈજેક કરી લીધા છે. આખરે જ્ઞાનેશ કુમારને બચાવવા પાછળ સરકારને એટલો બધો શેનો ડર છે? આપણા વડવાઓ પણ કહેતા હતા કે એવા ખોટા ધંધા જ ન કરવા જોઈએ કે જેના લીધે પ્રજાથી ડરીને આખી સૈન્ય ફોજો રોડ પર ઉતારવી પડે.
શહીદોના બલિદાનોથી મળેલી આઝાદી અને લોકતંત્રને બચાવવા દિલ્હીના પ્રોટેસ્ટ
’આપ’ નેતા ઇસુદાન ગઢવીએ વધુમાં ઉમેર્યું હતું કે, ઇતિહાસ સાક્ષી છે કે કૌરવ હોય કે રાવણ, અસત્યના રસ્તે ચાલનારાઓ ગમે તેટલા શક્તિશાળી કે ટોળામાં દેખાતા હોય છતાં અંતે હંમેશા સત્યની જ જીત થાય છે; ભગવાન રામ અને દ્વારકાધીશની જ જીત થાય છે. ભાજપ સરકારે આવી તાનાશાહી બંધ કરીને દેશમાં લોકતંત્રને બચવા દેવું જોઈએ. પહેલી ચૂંટણીમાં જીતીને સત્તામાં આવી ગયા એટલે એનો અર્થ એ નથી કે તમે આખા દેશના લોકતંત્રને જ ખતમ કરી નાખો. આપણને આ આઝાદી ૨૦૦ વર્ષની કઠિન ગુલામી અને હજારો દેશભક્તોના બલિદાનો પછી મળી છે, આ દેશને કોઈ એક ઉદ્યોગપતિના હાથમાં વેચી દેવા માટે અગણિત શહીદોએ શહાદત નથી આપી. ઇસુદાન ગઢવીએ તમામ નાગરિકોને આહ્વાન કર્યું હતું કે, લોકતંત્રની રક્ષા માટે દિલ્હીમાં થઈ રહેલા આ આંદોલનને આપણે અહીં બેઠા બેઠા પણ પૂરેપૂરો નૈતિક સપોર્ટ આપીએ અને સત્યના આ સંગ્રામમાં ભાગીદાર બનીએ.