આમ આદમી પાર્ટીના રામોલ હાથીજણ વોર્ડ પ્રમુખ નિશાંત ઠક્કરે એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે ભાજપ સરકારની સુરક્ષા અને જાહેર જનતાની સેવા માટેના સુરક્ષાના દાવા મુદ્દે વાત કરીશ. આજે ભાજપ સરકારના નાક નીચેથી જીપીસીબી (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ) તંત્ર સરકારની પણ ગેમ કરી ગયું છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની પણ રમત રમી નાખી છે અને આ લોકોએ જાહેર જનતાના જીવન માટે પણ ખૂબ મોટું જોખમ ઊભું કર્યું છે. જી.પી.સી.બી ક્યાંકને ક્યાંક ઉદ્યોગપતિઓનું બનીને બેસ્યું છે.
રસાયણયુક્ત અને કેમિકલયુક્ત ઝેરી પાણી કેનાલમાં છોડાયું
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા નિશાંત ઠક્કરે કેનાલ બતાવતા કહ્યું કે, એનું જીવંત ઉદાહરણ અહીંયા જોવા મળે છે કે આ ત્રીકમપુરા કેનાલમાં એકદમ લાલ રંગનું પાણી જોવા મળી રહ્યું છે. જે રસાયણ યુક્ત અને કેમિકલ યુક્ત ઝેરી પાણી છોડવાના કારણે થયું છે. આના કારણે જનતાને શ્વાસોશ્વાસમાં પણ તકલીફ થઈ રહી છે, ગંદકીના કારણે ઘણી દુર્ગંધ આવી રહી છે, જળચર જીવનને પણ આના કારણે નુકસાન થઈ રહ્યું છે. જો કોઈ જનતા આ પાણીનો ઉપયોગ કોઈપણ કામમાં કરતી હશે તો તેના જીવનમાં બીમારીઓનું જોખમ આવી શકે છે. મારો સવાલ એ છે કે સરકાર આ પાણીને આગળ લઈ જઈને ક્યાંય ફિલ્ટર કરવાની યોજના તો નથી લાવી, તો પછી આ પાણી આવ્યું ક્યાંથી અને આગળ જશે ક્યાં?