ગુજરાત વિધાનસભા 2027ની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા સાથે થયેલી વિસ્તૃત ચર્ચા-વિચારણા બાદ રાજ્યભરમાં સંગઠન માળખાને વધુ વેગવંતું બનાવવા માટે નવી નિમણૂકોની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા માટે વોર્ડ પ્રમુખો અને ભાવનગર મહાનગરપાલિકા વોર્ડ સંગઠન મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જામનગર મહાનગરપાલિકા વોર્ડ પ્રમુખ, જામનગર મહાનગરપાલિકા વોર્ડ સંગઠન મંત્રી તેમજ જિલ્લા પંચાયત સંગઠન મંત્રીઓ અને જિલ્લા પંચાયત પ્રમુખોની પણ જવાબદારીપૂર્વક નિમણૂક કરવામાં આવી છે. તદુપરાંત, 2027ની ચૂંટણીલક્ષી વ્યુહરચના મુજબ વડોદરા અને સુરત મહાનગરપાલિકાના વિવિધ વોર્ડ નંબરનો સમાવેશ કરીને મહાનગરપાલિકા વોર્ડ ઝોન સંગઠન મંત્રીઓની પણ નિમણૂક કરાઈ છે. આ જ ક્રમમાં અમદાવાદ મહાનગરપાલિકા, સુરત મહાનગરપાલિકા અને વડોદરા મહાનગરપાલિકામાં પણ વોર્ડ ઝોન સંગઠન મંત્રીઓની સત્તાવાર જાહેરાત આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે. આવતી કાલે આમ આદમી પાર્ટી દ્વારા એક અત્યંત મહત્ત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી રહી છે, અને તે પૂર્વે જ અલગ-અલગ વોર્ડ અને ઝોનમાં નિમણૂકો પૂરી કરીને પાર્ટી જન-જન સુધી પહોંચવા માટે તનતોડ મહેનત કરી રહી છે.