અમદાવાદ | ખેડૂત નેતા અને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ખેડૂતોને એક અભિનંદન આપતા જણાવ્યું હતું કે, આપણો સત્યાગ્રહ પહેલા દિવસે ખૂબ જ સફળ રહ્યો. જામનગર પોરબંદર અને દ્વારકા સહિત અનેક વિસ્તારોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો કાર્યક્રમમાં જોડાયા. લોકો કોઈની પણ પરવાહ કર્યા વગર ધરણાના કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને આખરે સરકારે નિર્ણય કર્યો કે જામનગર અને દેવભૂમિ દ્વારકાના બધા ડેમોમાં સૌની યોજનાનું પાણી છોડવામાં આવશે. રાજ્ય સરકારે આપણી પહેલી આંશિક માંગણી સ્વીકારી એ બદલ હું આભાર માનું છું. આ ખેડૂતોની અને ખેડૂતોની એકતાની જીત છે, ખેડૂત જ્યારે એક થશે અને ખેડૂતની લડાઈ પોતે લડશે ત્યારે તમામ માંગો ધીરે ધીરે પૂરી થશે. આ ખેડૂતોની જીત છે, ઈસુદાન ગઢવી માત્ર એક નિમિત્ત છે. મેં આગેવાની લીધી હતી પરંતુ આ જીત મારી નથી પરંતુ આજે જે હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા તેમની જીત છે.
વધુમાં ખેડૂત નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, હું રાજ્ય સરકારને વિનંતી પણ કરું છું તમે જામનગર અને દ્વારકા જિલ્લામાંથી ડેમો ભરવાની વાત કરી છે તો એ પાણી સાચે જ છોડજો, હું મારી ટીમને મોકલીશ કારણ કે ખેડૂતો સાથે કોઈ ચીટીંગ થાય એ નહીં ચાલે. હું રાજ્ય સરકારને બીજી પણ અપીલ કરું છું કે અમે પણ નથી ઇચ્છતા કે અમે અને ખેડૂતો કાયમી સત્યાગ્રહ કરીએ, તો તમે દુષ્કાળની પણ ઝડપથી જાહેરાત કરો, અછતગ્રસ્ત પણ જાહેર કરો, ઘાસચારાનું પણ પૂરતું વિતરણ શરૂ કરો એવી મારી વિનંતી છે. આ ખેડૂતોના હકની લડાઈ છે, ખેડૂતોની હાલત ખૂબ જ ખરાબ છે. સરકાર ખેડૂતો સમક્ષ જુએ કારણ કે કુદરત એમનાથી રુઠ્યો છે તો સરકારની જવાબદારી છે કે ખેડૂતો તરફ જુએ અને ઝડપથી દુષ્કાળ જાહેર કરવામાં આવે સાથે સાથે ખેડૂતોનું વીજળી બિલ પણ માફ કરવાની જાહેરાત કરે એવી અમારી માંગ છે.