અમદાવાદ/જામનગર/ગાંધીનગર | આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ અત્યંત દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હું વારેવારે હાથ જોડીને એટલા માટે કહેતો હતો કે ખેડૂતોની આ પરિસ્થિતિમાં જો આપણે ઊભા ન રહ્યા, તો તેઓ કોઈ ખોટું પગલું ભરી લેશે. મેં પોતે દોઢ મહિના પહેલા જ અનિશ્ચિતકાલીન ધરણાની શરૂઆત કરીને આંદોલન કરાવ્યું હતું જેથી ખેડૂતોને વિશ્વાસ આવે કે ઇસુદાનભાઈ લડી રહ્યા છે અને આજે નહીં તો કાલે સરકાર આ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરશે અને નાણાકીય સહાય મળશે. આખા ગુજરાતના અછતગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને આશા જાગી હતી, પરંતુ અલ્ટીમેટલી આ ગુજરાત સરકારે જે દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યું તે માત્ર એક મજાક સમાન સાબિત થયું છે. ખેડૂતોનો હવે સરકાર પરથી સંપૂર્ણ વિશ્વાસ ઉઠી ગયો છે કે આ માત્ર ૮,૫૦૦ રૂપિયાની સહાયથી શું થવાનું છે? ગયા વખતે ૫૦થી ૬૦ ટકા નુકસાન હતું ત્યારે ખેડૂતના ખાતામાં ૪૪,૦૦૦ રૂપિયા આવ્યા હતા, તો આ વખતે ૧૭,૦૦૦ રૂપિયામાં શું થવાનું? ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે, દેવું વધી ગયું છે અને ઘરના કરિયાણાના બિલ પણ ભરાય તેમ નથી. મેં આ પરિસ્થિતિ જાતે નજરે જોઈ છે. ભાજપના નેતાઓ પોતાની મજબૂરી અને ટિકિટોના લોભે તથા સમાજની ચિંતા ન હોવાને કારણે આ બાબતે ક્યારેય બોલી શકતા નથી. હું ખેડૂત સમાજ અને પાટીદાર સમાજ માટે એટલા માટે લડતો હતો કે કોઈ ખોટું પગલું ન ભરે, છતાં આજે દુર્ભાગ્યે જામનગરના જોડિયા તાલુકાના વાવડી ગામમાં હેમંતભાઈ આહિર (મકવાણા)એ આર્થિક સંકડામણને કારણે જીવન ટૂંકાવીને આપઘાત કર્યો છે.
ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યુ હતુ કે ગુજરાત સરકારને વારેવારે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે સરકાર ઉદ્યોગપતિઓને બેફામ નાણાં આપે છે, તો શું બાજુની મહારાષ્ટ્ર સરકારને બજેટ નથી નડતું? ત્યાંની સરકારે ₹.૨ લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે. હું આજે પણ સરકારને નતમસ્તક થઈને, હાથ જોડીને વિનંતી કરું છું કે જો સરકાર મારા ખેડૂતો માટે દેવા માફીનું પગલું ભરે તો હું જાતે સરકારને અભિનંદન આપીશ. સાથે જ હું તમામ ખેડૂતોને હાથ જોડીને વિનંતી કરું છું કે હેમંતભાઈએ જે પગલું ભર્યું તે ખોટું હતું, કોઈએ પણ આવું ક્યારેય ન ભરવું જોઈએ, આપણા પરિવારનું શું? હવે પોતાની સરકાર બનાવવામાં માત્ર ૧૧ મહિના બાકી છે. આપણે આ લોકો પાસે બહુ ભીખ માંગી લીધી, બહુ આજીજીઓ કરી લીધી, આંદોલનો અને આવેદનો આપી દીધા. હવે ૨૦૨૭માં પોતાની સરકાર બનાવો, આ ૧૧ મહિના કઠણ પરિશ્રમ કરીને આ લોકોને બતાવી દઈએ. મારી હાથ જોડીને વિનંતી છે કે કોઈ આવું ખોટું પગલું ન ભરે. હેમંતભાઈના પરિવારને જે પણ જરૂરી સહાય અને ટેકો જોઈશે, તે માટે આમ આદમી પાર્ટી હંમેશાં તેમની સાથે ઊભી છે. સરકારને પણ છેલ્લા અલ્ટીમેટમ સાથે હાથ જોડીને વિનંતી છે કે હજી પણ સમય છે, ખેડૂતોનું ૨ લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરો અથવા હેક્ટર દીઠ ૫૦,૦૦૦ લેખે (બે હેક્ટરની મર્યાદામાં) ૧ લાખ રૂપિયા ખાતામાં જમા કરો, જેથી આ ખેડૂતો આગામી ૧૨ મહિના કાઢી શકે.