આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી તથા પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટે અતિ મહત્વપૂર્ણ મુદ્દે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે આજે ગુજરાત આમ આદમી પાર્ટી માટે સંગઠનનો ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. આજે ગુજરાતની જનતા માટે સંગઠનને ગામડાના, છેવાડાના માણસ સુધી પહોંચાડવા માટે, ખૂબ જ લાભપ્રદ, અસરકારક રીતે આગળ વધારવા માટે સંગઠનમાં મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવે છે. મિશન 2027 અંતર્ગત સંગઠન નિર્માણનું અભિયાન આમ આદમી પાર્ટીએ શરૂ કર્યું છે, અને આ અંતર્ગત 2400થી વધારે પદાધિકારીઓની જાહેરાત આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે. આવતીકાલે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી ગોપાલ રાયજી અને પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની આગેવાનીમાં અમદાવાદ ખાતે એક ખૂબ જ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવશે. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા, ખેડૂત નેતા પ્રવીણ રામ સહિત આમ આદમી પાર્ટીના પ્રમુખ પદાધિકારીઓ હાજર રહેશે. આવતીકાલે અમદાવાદમાં થનારી બેઠકમાં 182 વિધાનસભાના પ્રભારી, સંગઠન મંત્રી અને પ્રદેશના હોદ્દેદારો, નવ-નિયુક્ત થયેલા હોદ્દેદારો, બેઠકમાં હાજર રહેશે. આમ આદમી પાર્ટીએ ગુજરાતની અંદર ખૂબ જ મજબૂતાઈથી લોકોના પ્રશ્નો ઉપાડ્યા છે. ગુજરાતની અંદર પ્રશ્નો ઘણા હતા, પરંતુ મજબૂત વિપક્ષ તરીકે પ્રશ્નો ઉપાડવા વાળો કોઈ નહતો. ગુજરાતમાં અન્યાય ઘણો હતો. મજબૂત વિપક્ષ તરીકે એની સામે અવાજ ઉઠાવવા વાળો કોઈ નેતા નહોતો. જ્યારે ગાંધીનગરમાં કમલમમાં જઈને, અથવા વિધાનસભા સુધી ભારતીય જનતા પાર્ટીને મજબૂત પ્રશ્નો પૂછવાનું કામ કોઈએ કર્યું હોય તો એ કર્યું છે ફક્ત આમ આદમી પાર્ટીએ. આજે વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય, યુવાનો માટે બેરોજગારીનો પ્રશ્ન હોય, આજે ખેડૂતો માટે દુષ્કાળની જાહેરાત, સત્યાગ્રહ કરવાની વાત હોય, શિક્ષણ અને આરોગ્યની વાત હોય, મજૂરોનો મુદ્દો હોય, મોંઘવારીનો માર હોય, ગુજરાતની અંદર જ્યારે દારૂબંધી છે, છતાં ભાવનગરમાં લઠ્ઠાકાંડ થતા હોય ત્યારે જનતા રેડના માધ્યમથી સરકારની આંખ ખોલવાનું કામ કર્યું છે. ભલે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપર એફઆઈઆર થઈ હોય, આ તમામ મુદ્દે લડવાનું કામ પાર્ટીએ કર્યું છે. ૧૦૮ના પાઇલોટોનો મુદ્દો હોય, વસ્ત્રાપુરની અંદર શાંતિપૂર્ણ રીતે જે યુવાનો કે જનતા બેસી રહ્યા હતા તેમને ઘણા માર્યા હોય, ત્યારે રાતે ત્રણ વાગ્યા સુધી તેમને લીગલ સહાય આપવાનું કામ હોય. આ તમામ બાબતમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતની જનતા સાથે ઉત્સાહે, ખડેપગે રહીને ગુજરાતની જનતા માટે લડવાનું કામ કર્યું છે. કેમ કે આમ આદમી પાર્ટીનું રાજકારણ સત્તાના દરવાજાથી નથી, આમ આદમી પાર્ટીનું કામ ગુજરાતની જનતાના દરવાજાથી શરૂ થાય છે.
182 વિધાનસભા ક્ષેત્રમાં 2,400 થી વધુ હોદ્દેદારોની જાહેરાત
ડો.કરન બારોટે વધુમાં જણાવ્યુ હતુ કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી સતત ગુજરાતના લોકો માટે લડી છે, ગુજરાતના લોકો માટે કામ કર્યું છે, અને આ સંગઠનના માધ્યમથી, ગામડાના છેવાડાના માણસોથી, બૂથના કાર્યકર્તા સુધી, બૂથના લોકો સુધી, બૂથ સુધી પહોંચવાનું કામ આ સંગઠનના માધ્યમથી આમ આદમી પાર્ટી કરશે. અને આ કોઈ સંગઠનનું ફક્ત માળખું નથી, આ કોઈ હોદ્દેદારોની જાહેરાત નથી, આ જવાબદારીની જાહેરાત છે, ગુજરાતની જનતાની સેવા માટેની જવાબદારીની જાહેરાત છે. અને આ નવનિયુક્ત સંગઠનનું માળખું આમ આદમી પાર્ટી અને ગુજરાતની જનતા વચ્ચે જીવંત સેતુ બનવાનું કામ કરશે. બૂથમાં ગુજરાતની જનતા માટે લડવાનું કામ આ સમયમાં આમ આદમી પાર્ટી કરશે. ડો.કરન બારોટે વધુમાં કહ્યું હતુ કે આવતીકાલની બેઠકમાં આમ આદમી પાર્ટી મિશન 2027 અંતર્ગત બૂથ સંગઠન નિર્માણનું કામ કરવા જઈ રહી છે. એને લઈને આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ મિશન 2027 અંતર્ગત, કેવી રીતે આગામી ચૂંટણી માટે સંગઠનને વધારે મજબૂત બનાવવું, કેવી રીતે ગુજરાતના લોકો સુધી પહોંચવું, એમના પ્રશ્નોનો ડાયરેક્ટ, સીધો સંપર્ક આમ આદમી પાર્ટીના લોકો સુધી થાય, સંગઠન સુધી થાય, અને બધાને વધારે મજબૂતાઈથી જનતા માટે દોડધામ કરાવી શકીએ એ તમામ બાબતની ચર્ચા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજી ની આગેવાનીમાં કરાશે.