આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ ચૂંટણીના પરિણામો પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે ગાંધીનગર મહાનગરપાલિકા, થરા અને ઓખા નગરપાલિકા સહિત કેટલીક જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી અને પેટા ચૂંટણીઓના પરિણામો જાહેર થયા છે. આમ આદમી પાર્ટીએ ભાડથર જિલ્લા પંચાયતની સીટમાં ભાજપ કરતાં ડબલ મત હાસિલ કરીને જીત મેળવી છે. આ ગુજરાતના ખેડૂતોની અને ખેતમજૂરોની જીત છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી મજબૂતીથી ચૂંટણી લડી. ભાજપના તંત્ર, પૈસા અને સત્તાની સામે આમ આદમી પાર્ટીના 32 ઉમેદવારો મજબૂતીથી લડ્યા હતા. અમે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં જનતાના મુદ્દાઓને ઉપાડ્યા હતા અને મુદ્દાઓ પર ચૂંટણી થાય એવી કોશિશ કરી હતી. ગાંધીનગરની જનતાએ જે કંઈ પણ મેન્ડેટ આપ્યું છે, એને અમે સહર્ષ સ્વીકાર કરીએ છીએ.
ગાંધીનગરમાં મજબૂત સંગઠન બનાવીશું
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં અમારી જે પણ સંગઠનાત્મક ખામીઓ રહી ગઈ છે, તેને સુધારવાનો આવનાર સમયમાં પ્રયાસ કરીશું અને અમે ગાંધીનગરમાં મજબૂત સંગઠન બનાવીશું. આગામી ચૂંટણી પહેલા અમે ગાંધીનગરમાં પાર્ટીને મજબૂત કરવાની પૂરી કોશિશ કરીશું. ગુજરાતમાં એક મજબૂત વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી હંમેશા જનતાના મુદ્દાઓ ઉપાડતી રહી છે અને જનતાના અવાજને બુલંદ કરતી રહી છે. આમ આદમી પાર્ટી મજબૂત વિપક્ષ તરીકે આ કામ કરતી રહેશે. ફરી એક વખત ગાંધીનગરની જનતાનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે ભાડથરની જનતા અને આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તા અને ઉમેદવારોને અભિનંદન પાઠવીએ છીએ.