આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ સંગઠન તથા કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં વન વિભાગમાં કામ કરતા વન રક્ષકો અને વનપાલોનું ગાંધીનગરમાં આંદોલન ચાલુ છે. અલગ અલગ ચારથી પાંચ માંગણીઓને લઈને તેમનું આંદોલન ચાલી રહ્યું છે અને તેમની માંગણીઓ પણ યોગ્ય છે. મહત્વપૂર્ણ નોંધવા જેવી બાબત એ છે કે તેમનું આંદોલન અલગ અલગ ક્રિએટિવ રીતે ચાલી રહ્યું છે. ગઈકાલે રાજ્યના વન મંત્રી સાથે તેમની બેઠકનો કોઈ સુખદ અંત આવ્યો નથી એવી માહિતી મને મળી.
અન્યાય સામે લડતા આપવા હંમેશા તૈયાર હોય છે ‘આપ’
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે, હજુ આ આંદોલન ચાલી રહ્યું છે એની તમામ માંગણીઓને મારું સમર્થન છે. હું તેમના આ મુદ્દાઓને એટલા માટે સમર્થન કરું છું કારણ કે ભૂતકાળમાં પણ આ લોકોના અનેક મુદ્દાઓને લઈને મેં લડત લડવાનું કામ કર્યું છે અને નિરાકરણ લાવવાનું પણ મેં કામ કર્યું છે. જ્યારે 2016 માં મેં સમગ્ર ગુજરાતના કર્મચારીઓ માટે ફિક્સ પગાર મુદ્દે આંદોલન શરૂ કર્યું અને ત્યારબાદ ગુજરાતના લાખો યુવાનોને પગાર વધારાનો ફાયદો મળ્યો, એ સમયે વન વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓને પણ ફાયદો મળ્યો હતો. માટે હવે હું આ કર્મચારીઓને આંદોલનમાં સમર્થન આપી રહ્યો છું અને જરૂર પડશે તો હું ગ્રાઉન્ડ ઉપર હું ઉતરવાની તૈયારી પણ રાખી રહ્યો છું.