આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે, આપણા લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈના સમર્થનમાં શકુંતલાબેન અને વર્ષાબેનના નેતૃત્વ હેઠળ નીકળેલી ‘આદિવાસી ન્યાય યાત્રા’ને ગામેગામથી લોકો તરફથી અપાર સમર્થન અને ભાવભર્યું સ્વાગત સાંપડ્યું છે. દરેક સમાજના નાગરિકોએ આ યાત્રાને વધાવી લીધી છે, જે આજે અંબાજી ખાતે સંપન્ન થવા જઈ રહી છે. આ યાત્રાના સમાપન બાદ આવતીકાલે ૪ નવેમ્બર, બુધવારના રોજ બપોરે ૨:૦૦ વાગ્યે ગાંધીનગરના સેક્ટર-૧૧ માં આવેલા રામકથા ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ યુવાનો, ભાઈઓ-બહેનો અને વડીલોને મોટી સંખ્યામાં પધારવા હાર્દિક નિમંત્રણ છે.
ચૈતરભાઈ વસાવા સમગ્ર આદિવાસી સમાજનો અવાજ
’આપ’ નેતા નિરંજન વસાવાએ વધુમાં જણાવ્યુ હતુ કે ચૈતરભાઈ વસાવા એ માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર ટ્રાઈબલ સમાજનો અવાજ છે, જેઓ જળ, જંગલ, જમીન, રોડ-રસ્તા, શિક્ષણ, આરોગ્ય અને સ્કોલરશિપ જેવા અનેક લોકહિતના મુદ્દાઓ પર સરકાર સામે લડત ચલાવતા હતા. આદિવાસી સમાજનો આ અવાજ દબાવવાના હેતુથી ભારતીય જનતા પાર્ટી દ્વારા ખોટા ષડયંત્રો રચીને અને એફઆઈઆર કરીને તેમને સાત વર્ષની સજા તેમજ અન્ય અન્યાયી કેસોમાં ફસાવવામાં આવ્યા છે. ભાજપની આ તાનાશાહી સામે આપણે સૌએ એક થઈને ચૈતરભાઈ તેમજ તેમના ધર્મપત્ની શકુંતલાબેન અને વર્ષાબેનના હાથ મજબૂત કરવાના છે, જેથી ગાંધીનગર ખાતે યોજાનારી આ મહાસભામાં આપણે સૌ ઉપસ્થિત રહીને આંદોલનને વધુ બળ પૂરું પાડીએ.